Monday, 2 April 2018

પ્રકરણ -૨ : પરીક્ષા(સાચો મિત્રો)



૧૪ વર્ષ અજ્ઞાતવાસ

- 2(ક) -

પ્રકરણ -૨ : પરીક્ષા(સાચો મિત્ર)
        પરીક્ષાનો સમય પૂરો થયાનો ઘંટ વાગ્યો, પરીક્ષકે ઉતારવહી પાછી લેવાની શરૂ કરી. એક એક કરીને બધાં વિદ્યાર્થીઓ બહાર નીકળવા લાગ્યા, વરુણ જયુથી પહેલા બહાર નીકળ્યો અને સાયકલ સ્ટેન્ડ પાસે ઉભો રહી ગયો. જયુ પરીક્ષાખંડ માંથી ખુશ ચહેરે બહાર નીકળ્યો તે ખુશ કેમ ન હોય? પેપર સરળ હતું અને વરુણ પણ પરીક્ષા આપી શક્યો તેનો આનંદ હતો.
        કૉલેજ બહાર સાયકલ સ્ટેન્ડ પાસે વરુણને ઉભેલો જોઇને હાથ ઉચો કરી બે આંગળી વડે વરુણને વિજય સંજ્ઞા બતાવી,પણ વરુણે કોઈ પ્રત્યુતર ન આપ્યો ત્યારે જયુ ને થયું તેનું ધ્યાન નહિ હોય તે વરુણની વધુ નજીક જઈને વરુણને ભેટી પડ્યો, વરુણ તેનાથી થોડો દુર ગયો, ચહેરાનાં હાવ ભાવ બદલ્યા વિના સ..ટ..ટ.. આવાજ સાથે સીધા હાથની થપાટ જયુનાં ગાલ પર ચોટાડી.
        થપાટનો અવાજ અને આઘાત એટલો તીવ્ર હતો કે જયુ સીધો જમીન પર પડી ગયો. પરીક્ષા પૂરી કરીને ઘરે જઈ રહેલા વિદ્યાર્થીઓ આ તમાશો જોવા ઉભા રહી ગયા. જયુ ને કાઈ સમજાયું નહિ અને ફરી ઉભો થઇ વરુણ ને ગળે લગાડવા ગયો, વરુણે એક ઊંધા હાથની અને એક ધક્કા સાથે જયુને પાડી દિધો, હજી સુધી વરુણ નાં ચહેરા ના ભાવ બદલાયા ન હતા માટે જયુને થયું કે મજાક માં મારતો હશે. પરંતુ આજ સુધી ક્યારેય આવો અનુભવ થયો ન હોવાથી જયુને કાઈ પણ ન સમજાયું.અત્યાર સુધી બે થપ્પડ અને એક ધક્કો ખાધા પછી પણ શરીરને કોઈ કષ્ટ ન થયું, કેમકે વરુણ કયા કારણથી મારે છે તે સ્પષ્ટ ન હતું.  
નીચે પડેલી હાલત માં જયુ બોલ્યો “ભાઈ મસ્તી કરમાં બધા જુએ છે.” વરુણે જયુ તરફ હાથ લંબાવીને ઉભો કર્યો, અને ઉપરનાં ખિસ્સા માંથી જયુએ લખેલો ટીસ્યુ પત્ર બહાર કાઢ્યો.
જયુ ને થપાટ અને ધક્કો કેમ લાગ્યો તે સમજાય ગયું હોય તેમ બોલ્યો “તે વાંચી લીધો?”
વરુણ ગુસ્સામાં બોલ્યો “કેમ? તે મને આપવાં માટે જ કીધું હતું ને?” જયુ થોડો થોથવાતા બોલ્યો “ તને... તને... આપવાનું તો કિધું હતું પણ... મારો મતલબ એવો નથી જેવો તું સમજે છો...” બોલતા બોલતા આંખોમાં આંસુ આવી ગયા. અત્યાર સુધી થપાટ કેવલ ગાલ પર વાગી હતી, હવે હૃદય પર આઘાત થયો હોય તેવી પીડા થઇ.
વરુણ જોરથી ગુસ્સામાં બોલ્યો “બધા શું જુઓ છો? જાઓ અહિયાથી, જો કોઈ અહી ઉભો રહેશે તો કાલની પરીક્ષા આપવાને લાયક નહિ રહે.” વરુણ આ વાત જો શાંતિથી બોલ્યો હોત તો પણ બધાં ચાલ્યાં ગયા હોત. તમાશો જોઈ રહેલું ટોળું વિખાયું. થોડી વારમાં માત્ર વરુણ અને જયુ જ રહ્યા.
        વરુણ અંદરથી ખુબ દુખી હતો, દુખ ચહેરા પર ન આવે તેના માટે ગુસ્સો જરૂરી હતો.
જયુનાં ચહેરા પર ચિંતા છવાઈ ગઈ, પુરા શરીર પર પરસેવો વળી ગયો. હાથ પગ ધ્રુજવા લાગ્યા. આજે તો.. ગયો !!! મનમાં વિચારતો રહ્યો કે પત્ર લખીને મોટી ભૂલ તો નથી કરી ને? ઊંડો શ્વાસ ભરી ને બોલ્યો “તારે મને જેટલો પણ મારવો હોય તું મને મારી શકે છો, હું તારો ગુનેગાર છું, હું મારી ભૂલ સ્વીકારું છું.”
તે જે લખ્યું તે તું વાંચીને સંભળાવ” વરુણે ટીસ્યુ પત્ર જયુને આપતા બોલ્યો.
જયુ “ભાઈ, માફ કરીદે પ્લીઝ...” કરગરવા લાગ્યો.
વરુણે જયુના હાથ પકડી પીઠમાં હાથ મૂકી ને કહ્યું “વાંચીલે શાંતિ મળશે.”
જયુએ પત્ર વાંચવાનો શરુ કરે તે પહેલા વરુણ દાઢમાં બોલ્યો “હું તારા જીવનની બ્રેક છું? , હું તારા માટે સ્પીડબ્રેકર છું? તારા માટે કોઈનાં જીવન કરતાં પરીક્ષા વધુ મહત્વની છે?, વાંચ… એ પણ વાંચ જેમાં તે લખ્યું છે. હું તારી મિત્રતા માટે સમર્થ નથી.”
જયુ એ કોઈ પ્રત્યુત્તર આપ્યા વગર પત્ર વાંચવાનું શરૂ કર્યું
પ્રિય મિત્ર વરુણ,
આપણી મિત્રતા જ્યારથી થઈ મારા પરિવારનું કોઈ પણ તને મારા મિત્ર તરીકે કોઈ પસંદ નથી કરતું, ખાસ મારી માતા ચિંતા કરે છે કે મારો દિકરો ખોટી સંગતમાં છે, મને વારંવાર તારા થી મિત્રતા તોડવાનું દબાણ કરવામાં આવે છે, હું તને જાણું છું કે તું ક્યારેય ખોટો ન હોય શકે, મને મારા કરતાં તારા પર વધુ ભરોસો છે, જ્યારે તું મારી સાથે નથી હોતો ત્યારે તપતા સુરજ વાળા ખુલ્લા રસ્તાઓ મને અમાસની અંધારી ગલીઓ જેવી લાગે છે.
મારી અનિયંત્રિત જિંદગી ની તું બ્રેક છો, પરંતુ મારા પરિવારના સભ્યો તને મારા જીવનનું સ્પીડબ્રેકર માને છે, મારા જીવનમાં મિત્ર અને પરિવાર બંને સમાનતા ધરાવે છે, હું તેમાંથી કોઈ એકને પણ છોડવા માંગતો નથી. તે મને હંમેશા મદદ કરી છે, આજે જ્યારે તને મારી જરૂર હતી, હું પીઠ બતાવીને ભાગી ગયો. મને એ પણ ખબર છે કે પેલા અજાણ્યા માણસને કોઈ મારતું હતું ત્યારે ટોળાથી અલગ વિચારી મદદ કરીશ હશે પણ કોઈને ખબર પણ નહીં પડે તું એવો કલાકાર છો.
મને પૂરો વિશ્વાસ છે કે તું પરિક્ષાખંડમાં નહીં પહોંચે, હું તારી સાથે મિત્રતા નિભાવવા સમર્થ નથી. હું સ્વાર્થી છું, મારા અને તારા જીવનનું લક્ષ્ય અલગ અલગ છે. મારે નોકરી કરી ખૂબ પૈસા કમાવા છે. લગ્ન કરવા છે તારા જીવન નું કોઈ લક્ષ્ય નથી.
તું દરેક ક્ષેત્રમાં એક્સપર્ટ છો, મને લોકો જ્યારે વરુણ નો મિત્ર કહે ત્યારે ગર્વ પણ થાય અને દુખ પણ થાય કે જેને બધું જ ખબર છે તેને કશી ખબર નથી કે આગળનું ભવિષ્ય શુ હશે?
આજે તું પરીક્ષા માં પહોંચે કે ન પહોંચે પરંતુ આજથી આપણા રસ્તાઓ જરૂર અલગ થશે. તું પરીક્ષા આપીશ તો મને વિજેતા જેટલો આનંદ થશે અને જો ન પહોંચી શકે તો સમજી લેજે કે મેં તારા સાથે વિશ્વાસઘાત કર્યો.
મેં આજની સંસ્કૃતની પરીક્ષા માટે એક શ્લોક વાચ્યો હતો જે તારા પર બંધ બેસે છે.
पापान्निवारयति योजयते हिताय
गुह्यं गूहति गुणान् प्रकटीकरोति
आपद्गतं जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः
જેનો અર્થ થાય છે.
          પાપોનું નિવારણ કરનાર, હિતકાર્યોની યોજના બનાવનાર, ગુપ્તવાતો ને ગુપ્ત રાખે અને ગુણોનું બધાં સામે પ્રદર્શન કરે, આપતિ સમયે ન ભાગનાર સાચા મિત્રના લક્ષણો સંતોએ વર્ણવ્યા છે.
        મારામાં આમાંથી એક પણ લક્ષણ નથી માટે મને માફ કરજે,
તારો મિત્ર,
જયુ”
પત્ર પૂરો થયો છતાં પણ જયુ આગળ બોલતો રહ્યો “આમાં મેં જે કાંઈ પણ લખ્યું તે ઉતાવળ માં લખ્યું છે. મને માફ કર દોસ્ત. હું નથી ઈચ્છતો કે મારા કારણે તને બદનામ થવાનો વારો આવે.”
વરુણે એક પણ શબ્દ બોલ્યા વિના જયુ તરફ પીઢ કરી ચાલવા લાગ્યો. જયુ તેને રોકવા માટે એક વખત અવાજ લગાડ્યો અને સમજી ગયો કે હવે તે પાછો નહીં વળે.. જયુ ગોઠણ પર બેસીને રડવા લાગ્યો..
    વરુણ પરીક્ષાખંડ સુધી કઇ રીતે પહોંચ્યા?
    શુ તુટેલી મિત્રતા એ દુશ્મની ની શરૂઆત છે કે બંને કોઈ નવી ચાલ ચાલી રહ્યાં છે?
વધુ આવતાં સોમવારના અંકમાં વાંચો…
૧૦ થી ૧૫ વ્યક્તિઓ વરુણ ને ઘેરીને ઉભા હતાં, એક વ્યક્તિએ વરુણ ને મારવાં માટે દંડો ઉંચો કર્યો, વરુણે બોલવા પ્રયત્ન કર્યો પરંતુ ગળા માંથી અવાજ ન નીકળ્યો. સાયકલની તુટેલી ચેન હાથમાં વીંટાળી ને મુઠી સાથે વિટાલી ચારે બાજુ જોયું અને વરુણે...
- સાચો
૦૨-૦૪-૨૦૧૮

No comments:

Post a Comment