Monday, 26 March 2018

૧૪ વર્ષ અજ્ઞાતવાસ પ્રકરણ -૨: પરીક્ષા ( એક રહસ્ય )

 

૧૪ વર્ષ અજ્ઞાતવાસ

પ્રસ્તાવના

        દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
       હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
       આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
       14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
મારા બધાં બ્લોગ વાંચવા   -સાચો
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.


પ્રકરણ: ૨ પરીક્ષા

        જયુ કોલેજના દરવાજા પાસે પહોંચ્યો, હૃદયના ધબકારા ધડ.. ધડ.. ધડ.. ધડ.. ખૂબ ગભરાયેલો હતો, છેલ્લા ત્રણ વર્ષોથી કૉલેજ પાસ કરીને કોઈ સારી નોકરી મેળવવા ની ચાહના હતી, જ્યારથી ભણવાનું શરૂ કર્યું ત્યારથી સારી નોકરી માટે જ ભણતો, સારા ગુણ થી પાસ થઈશ તો જ સારી નોકરી મળશે એવું નાનપણથી તેના મગજમાં ઘુસાડવામાં આવેલું હતું, જો સારી નોકરી નહીં મળે તો લગ્ન માટે સારી છોકરી પણ નહીં મળે. નાતમાં છોકરીઓ નો અભાવ છે. દોડ બેટા નોકરી અને છોકરી જીવનમાં એકજ મળશે, મિત્રો તો ગમે તેટલા મળી જશે, પૈસા હશે તો તારા હજારો મિત્રો બનશે આવી નાનપણથી ઘુસાડેલી વાતો તેના મગજમાં ફરવા લાગી, બિચારો જયુ હજી કિશોર થી યુવાન વયનાં પ્રવેશદ્વારે ઉભો છે. એક તરફ જીવથી વ્હાલો મિત્ર નથી પહોંચ્યો તેની ચિંતા અને બીજી તરફ પરીક્ષા શરૂ થશે તેની ચિંતા.
          શુ કરવું તે સમજાતું નહતું અને વરુણ વિના પરીક્ષા આપી શકાય તેમ ન હતું, જયુ કેન્ટીનમાં ગયો અને જે ખુરશી પર તે અને વરુણ બેસતા તે ખુરશી પર જઈને બેઠો, ગ્લાસ માં પાણી ઠાલવીને પૂરો ગ્લાસ એક ઘૂંટડે પી ગયો, તેને વિચાર આવ્યો કે “જો મારી જગ્યાએ વરુણ હોત તો શું કરે?” ટેબલ પર રાખેલો ટીસ્યુ પેપર લઈને તેના પર વરુણ માટે પત્ર લખ્યો અને કેન્ટીન ના એક કર્મચારી ને આપી અને “વરુણને આપી દેજે” કહીને પરીક્ષાખંડ તરફ ગયો.
        પરીક્ષા શરૂ થવાને માત્ર 10 મિનિટ બાકી હતી. વરુણ અને જયુ નો પેપર એકજ બ્લોકમાં હતો, હજી ધીમા ડગલે આગળ વધતો જયુ  પરીક્ષાખંડ માં પ્રવેશી ગયો, પરીક્ષાખંડ માં ગોઠવાયેલા વિદ્યાર્થીઓ ન દેખાયા માત્ર તેને પોતાના ક્રમાંક ની પાટલી અને વરુણ ની ખાલી પાટલી દેખાય, કૉલેજ ની છેલ્લી પરીક્ષા અને પ્રથમ પેપર વરુણ વિના આપવાનો અને એ પણ મિત્ર જ્યારે તકલીફમા હતો ત્યાંથી ભાગીને પરીક્ષા આપવી જયુ માટે અશક્ય હતું.
         મનમાં પાણીના પરપોટા સમાન અગણિત સવાલો બનતા અને ફૂટતા ગયા, લાગણીઓ લાચાર બની ગઈ, “અરે ! સ્વાર્થી જ્યારે તારી SSC ની પરીક્ષા હતી ત્યારે પોતાની પરીક્ષા છોડી તારા પરીક્ષા પ્રવેશ પત્ર ગોતવા માટે પોતાનો પેપર છોડવા વાળા વરુણને સાથે તે શું કર્યું? મિત્ર માટે લોકો જીવ આપીદે છે તું એક પેપર છોડી ન શકે? અરે ! વરુણના હજારો મિત્ર છે, તારા કેટલા છે એકજ અને એ મિત્ર સાથે તે ગદ્દારી કરી?તું પરીક્ષા તો આપીશ પણ પાસ થઈશ કે નહીં પણ મિત્રતા ની પરીક્ષામાં તું નાપાસ થઈ ગયો. તું સંવેદનબધિર છો.”
         આંખમાં ભરેલા આંસુ નો બાંધ તૂટવામાં હતો ત્યારે પરીક્ષાખંડમાં પરીક્ષકનો પ્રવેશ થયો, હવે પરીક્ષા ને 5 મિનિટ બાકી હતી.
        પરીક્ષકે આવીને કહ્યું “કોઈપણ વિદ્યાર્થી પરીક્ષાલક્ષી ચિઠ્ઠી, ચબરખી કે અન્ય કોઈ સાહિત્ય લાવ્યું હોય તે બહાર મૂકી આવે, પછીથી કોઈ પાસે થી મળશે અથવા પકડાશે તો તેના પર કોપીકેસ થશે. બધાં પોતાની રસીદ તૈયાર રાખજો ઉત્તરવહી આપું ત્યારે બતાવજો. કોઈએ પાણી પીવા કે ટોયલેટ માટે જવું હોય તો જઈ આવજો પાંચ મિનિટ છે, પછી જવા નહીં મળે.”
         જયુએ પોતાની જગ્યાએ ઉભો થઇ ને સીધી બહાર તરફ દોટ મુકી ને કૉલેજ ના દરવાજા સુધી પહોંચી ને નિરાશા સાથે પાછો આવ્યો, તે પ્રાશ્ચિત કરવા માંગતો હોય તેવા ભાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. નિરાશ થઈને ફરી તે પરીક્ષાખંડ પોતાની જગ્યાએ પાછો ફર્યો.
       હવે ઉત્તરવહી આપવાનું કામ શરૂ થઈ ગયું હતું. જયુ પરીક્ષા ખંડમાં પોતાની પાટલી પર બેસી ને પોતાની જાતને કોસવા લાગ્યો. જયુની આંખો માંથી ટપકતા આંસુઓ સીધા તેની પાટલી પર પાડવા લાગ્યા, આંખો લાલ થી ગઈ હતી. પરીક્ષા શરુ થવાને માત્ર એક મિનીટ બાકી હતી. જવાબ પત્રની વહેચણી શરુ થઈ ગઈ હતી. જયુની પાટલી પાસે પરીક્ષક આવીને ઉભા હતાં છતાં જયુ નું તેનાપર ધ્યાન ન હતું, જયુની આંખો માંથી વહેતા આંસુઓ જોઈ પરીક્ષક બોલ્યા “ કેમ શું થયું? તૈયારીઓ નથી થઇ કે રાતનો ઉજાગરો છે? કે કોઈ તકલીફ થી રડે છો? ” હવે જયુ ન રહેવાયું પણ ગળા માંથી અવાજ નીકળતો નથી. એવા સમયે પરીક્ષા શરુ થવાનો સાંકેતિક ઘંટ વાગ્યો, જયુ એ આજુબાજુ વાળાના કાન ફાડી નાખે એવી ચીસ પાડતા બોલ્યો “વરુણ... I am Sorry...”
        વરુણ પરીક્ષાખંડના દરવાજે ઉભો હતો. વરુણ ને જોઈને જયુએ ચીસ પાડી તેના કારણે બધાનું ધ્યાન વરુણ તરફ ગયું અને બધા આશ્ચર્ય થી વરુણ તરફ જોવા લાગ્યા એક ડોઢો બોલ્યો “વરુણ તું ભૂલમાં સાયન્સની પરીક્ષા દેવા તો નહોતો પહોંચી ગયો ને?” ત્યાં બીજો ડોઢો બોલ્યો “એનો ઘોડો દશેરાના જ ન દોડે.” વરુણે દર વખતે ની જેમ આ વખતે પણ તેની વાત ને કાને ન ધરી. વરુણને જોઈને જયુના મગજમાંથી જુના સવાલો નું બાષ્પીભવન થઈ ગયું. જયુ ઉભો થઇ ને વરુણને ભેટી પડ્યો. મોઢા માંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો.
        પરીક્ષક આ બધું નિહાળતા રહ્યા થોડીવાર કશું ન બોલ્યા, પછી પ્રેમથી કહ્યું “બંને જગ્યાએ બેસો આ પરીક્ષાખંડ માં શાંતિ રાખો જે વાતો કરવી હોય તે પરીક્ષા પછી કરી લેજો.” બંને પોતાની જગ્યાએ બેઠા અને પરીક્ષા શરૂ થઈ.

---- XXXX ----


          વરુણ પેપર પૂરું કરી ને સાયકલ સ્ટેન્ડ પાસે જયુની રાહ જોવા લાગ્યો, જયુ પણ પરીક્ષા આપી ને બહાર સાયકલ સ્ટેન્ડ પાસે પહોંચ્યો, જયુ જેવો પહોંચ્યો વરુણે જયુ ને એક જોરદાર થપાટ લગાવી અને વરુણ ની થપાટ નો પ્રહાર એટલો જોરદાર હતો જયુ ત્યાંજ પડી ગયો…
            વરુણે શા માટે પોતાના મિત્ર ને થપાટ લગાવી?
            તે આવતા સોમવાર ના અંકમાં જોઈશું..
કોઈ સાથે હોય કે ન હોય ચાલતા રહેજો,
આપનો અભિપ્રાય જણાવતા રહેજો,
મારે એટલું જ કહેવું છે કે વાંચતા રહેજો..         
-સાચો
દિનાંક :૨૬-૦૩-૨૦૧૮

No comments:

Post a Comment