Monday, 9 April 2018

પ્રકરણ - 3: એકાંત



૧૪ વર્ષ અજ્ઞાતવાસ

પ્રસ્તાવના

        દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
       હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
       આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
       14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા 
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
મારા બધાં બ્લોગ વાંચવા   -સાચો
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.

પ્રકરણ -3 : એકાંત

        વરુણ જયુ તરફ પીઠ કરીને કશું બોલ્યા વિના આગળ ડગલા ભરતો રહ્યો, જેમ આગળ ડગલાં ભરતો તેમ મિત્રનાં હૃદય સાથેનું જોડાણ તૂટવાને બદલે મજબુત થઇ રહ્યું હતું. જો વરુણ એક પણ વખત પાછું ફરીને જુએ તો અંદર ઉછળી રહેલો અશાંત મહા સાગર શાંત તળાવ જેવો બની રહે, હૃદયમાં ઉછરતાં જ્વાળામુખીને શાંત કરવાની હિંમત વરુણ માં નહતી. એ જાણતો હતો કે જયુના ગાલ પર પડેલી થપાટ તેની મજબુત પાયા પર નિર્મિત મિત્રતાની ઈમારત ને ભલે ધરાશાયી ન કરે પરંતુ એ ઈમારતની છતતો તૂટવાની જ છે.
વરુણ નાના ડગલાઓ થી ઘણું મોટું અંતર કાપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બીજી તરફ જયુ મિત્રતાની પાટી પર ભૂલથી થયેલા લીસોટા આંસુઓ થી ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
વરુણ હવે જયુની નજર થી ઘણો દુર પહોચી ગયો હતો. જો એક વખત વરુણ તેની પૂરી વાત સાંભળે તો બધું પહેલા જેવું સામાન્ય થઇ જાય, જયુ ઉભો થયો જે ટીસ્યુ પર તેણે પત્ર લખ્યો હતો તે ટીસ્યુ થી આંસુઓ લુછીને કોલેજના મેદાનમાં પોતાની જેમ એકલી પડેલી સાયકલ લઈને વરુણની પાછળ જઈ અંતિમ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. નાનપણની થી અત્યાર સુધી નિર્વિઘ્ને આગળ ધપતી આ મિત્રતા નો અંત બચાવવા નો છેલ્લો પ્રયત્ન...
વરુણ ને શોધવા નીકળેલા જ્યુની સાયકલ છેક વરુણ ના ઘર સુધી પહોચી પણ વરુણ રસ્તામાં ક્યાય નજરે ન ચડ્યો, નિરાશ થઇ ને જયુ ભાવનગરનાં તખ્તેશ્વર મહાદેવ ના મંદિર જેવા મંદિર ટેકરી પર સ્થિત મહાદેવનાં મંદિરે ગયો. શહેરની મધ્યમાં સ્થિત આ મંદિર માં પુજારી પણ દિવસ માં એક વખત આવતો, લોકોની અવાર જવર ખુબ નહીવત હતી, પણ શાંત વાતાવરણ અને મંદિર પરથી પુરા શહેરનું દર્શન થાય તેવું હતું. મંદિરની બાજુમાં વર્ષો જુનું એક વડલાના વૃક્ષ નીચે બેસીને વરુણ અને જયુ પૂરો દિવસ ભણતા મસ્તી કરતાં અને ઘણીવખત તો પૂરો દિવસ વડવાઈઓ પર હિચકો બાંધીને રમતા અને ખુબ મજા કરતાં.
જયુ જૂની યાદોમાં ખોવાયેલો હતો. સ..ટ...ટ... અવાજ આવ્યો અને જયુ નું ધ્યાન ભાગ થયું પાછળ ફરીને જોયું તો વાલીએ રાવણ ને જે રીતે બગલમાં દબાવ્યો હતો તેવી મુદ્રામાં વરુણ એક વ્યક્તિનું ગળું બગલમાં દાબીને ઉભો હતો. જયુને કશું સમજાય તે પહેલા વરુણે બગલમાં પકડેલા વ્યક્તિને ધક્કા સાથે છોડયો અને નીચે પડે તે પહેલા કોણી થી પીઠ પર વાર કરી તેને અધમૂઓ કરી દીધો. હજી સુધી જયુ ને કાઈ સમજાયું નહિ, પણ વરુણે તે વ્યક્તિને માર્યો તો કઈક ગડબડ હશે સમજી ને જયુએ વરુણનાં હાથે પડેલી થપાટ અને ધક્કાનો બદલો લેવા પડેલા વ્યક્તિને પેટમાં બે પાટા મારી લીધા.
પડેલો વ્યક્તિ આવી હાલતમાં પણ ઉભો થઇ ને ભાગવામાં સફળ થયો. તેને ભાગતો જોઇને જયુએ તેનો પીછો કરવા દોડ લગાવી પરંતુ વરુણે તેને ત્યાજ રોકીને ખિસ્સા માંથી રૂમાલ કાઢી નીચેથી પથ્થર ઉપાડી રૂમાલ સાથે બાંધી ગોફણની જેમ ફેક્યો અને પથ્થર ભાગતા માણસ ને માથાના ભાગમાં વાગ્યો. તે જમીન પર પડ્યો છતાં તે ભાગ્યો.
જયુએ વરુણ ને પોતાની પાસે ઉભેલો જોઇને જરા પણ સમય વેડફ્યા વિના ગળે લગાડી લીધો અને બોલ્યો “ માફ કરી દે યાર, જો આ વડલો, આ મંદિર જો આહી આપણે રોજ રમતા.” વરુણ જયુને વચ્ચે  ટોકતા બોલ્યો “અત્યારે એ બધી વાત કરવાનો સમય નથી. આપણે અહીંથી જલ્દી નીકળવું પડશે.”
જયુ બોલ્યો “પણ કેમ ? તું અહિયાં કઈ રીતે પહોચ્યો ? અરે ! તું કૉલેજ કઈ રીતે પહોચ્યો ? એ બધું છોડ તે મને માફ કર્યો કે નહિ ?” વરુણ ઈશારો કરતાં બોલ્યો “તારા બધા સવાલનો જવાબ આપીશ પણ અહીંથી નીકળ જલ્દી.”
વરુણ અને જયુ ત્યાંથી નીકળ્યા ને પાંચેક મિનીટ જેટલો સમય થયો હશે ત્યાં પાંચ-છ બાઈકો માં આઠ થી દસ લોકો પવનવેગે ટેકરીની ચારે બાજુ ચક્કર લગાવવા લાગ્યા. તેમાનો એક ટેકરી પર ચડ્યો ને બોલ્યો “ અહિયાં કોઈ નથી કદાચ ભાગી ગયા હશે.”
નીચે ઉભેલા વ્યક્તિએ બાજુમાં ઉભેલા ધોયેલા મૂળા જેવા માણસ ને પૂછ્યું “ઓલો જ હતો ને ?” માથું હલાવીને તેને હા કહ્યું કે તરત બધા બાઈક પર બેસીને ત્યાંથી જતા રહ્યા.
----- xxx -----
આ બાજુ વરુણ અને જયુ બંને જયુના ઘરે પહોચ્યા. જયુના ઘરે કોઈ ન હતું. પહોચતા સાથે જયુની સાયકલ ખભે ઉપાડી અગાસી પર મૂકી આવ્યો અને બંને ના ચપ્પલ ઘરમાં લઈને દરવાજા બારીઓ બંધ કરી ને પાણી નો આંખો સીસો ખાલી કરી ને હાંફતા અવાજે બોલ્યો “કોઈપણ આવે દરવાજો નઈ ખોલતો, અંકલ આંટી ક્યારે આવશે?”
“તેમને આવતા હજી વાર લાગશે, પણ તું શું કરે છો ? શું કરવા માંગે છો મને કાઈ સમજાતું નથી? તું શું કરીને આવ્યો છો ?”
વરુણે વાત સમજાવવાની શરુ કરી...
(હવે આપને સવારની ઘટનાના ફલેશબેકમાં લઇ જાઉં..)
વરુણની સાયકલની ચેન તુટી ગઈ ત્યારે જયુને તેણે ભગાવી દીધો તે પહેલા એક વ્યક્તિને બે લોકો લાકડીઓ થી માર મારતા હતા, વરુણે યુક્તિ પૂર્વક તેના મિત્રની પરીક્ષા ન બગડે તેના માટે ત્યાંથી જવાનું કહ્યું હતું. જયુના ગયા પછી વરુણે સાયકલની તૂટેલી ચેન હાથમાં વીટાળી મારામારી ની જગ્યાએ પહોચ્યો, ત્યાં માર ખાનારો વિક્રમ વરુણ ને જોઇને તેની પાછળ સંતાઈ ગયો, વરુણે ચેન થી બંને ને ખુબ માર્યા અને વિક્રમને હોસ્પીટલ લઇ જવા માટે રિક્ષામાં બેસાડ્યો અને રવાના કરી દીધો, એટલી વારમાં ૧૦ થી ૧૫ વ્યક્તિઓ વરુણ ને ઘેરીને ઉભા હતાં, બધાના હાથમાં ધોકા અને પાઈપ હતા. એક વ્યક્તિએ વરુણ ને મારવાં માટે દંડો ઉંચો કર્યો, વરુણે બોલવા પ્રયત્ન કર્યો પરંતુ ગળા માંથી અવાજ ન નીકળ્યો. સાયકલની તુટેલી ચેન હાથમાં વીંટાળી ને ચારે બાજુ જોયું અને વરુણે બધે નજર ફેરવી ધેરાયેલા વરુણે એક બાજુ કમજોરી જોઈ વરુણે તેને ધક્કો મારી પાડી દીધો અને સમય સુચકતા વાપરી ‘ભાગે તે ભડ’ બોલી ને સીધી દોટ મૂકી દોડતા દોડતા તે નજીકના પોલિસ સ્ટેશન માં ઘુસી ગયો...
·         શું વરુણ પોલીસ રક્ષણથી કૉલેજ સુધી પહોચ્યો ?
·         વરુણનો પીછો કરતાં લોકો જયુની પાછળ કેમ ફરતા હતાં?
·         જયુ બધી વાત સાંભળીને વરુણની મદદ કરશે?
·         તે લોકો વિક્રમને કેમ મારતા હતા, વિક્રમ કોણ હતો.
વધુ આવતા સોમવારે...
જયુ એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥

અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે.. 
    -સાગર ચૌચેટા(સાચો)
૦૯-૦૪-૨૦૧૮  

3 comments:

  1. Replies
    1. કેતનભાઈ આ વખતે અંક માં થોડું મોડું થશે.

      Delete
  2. उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
    षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत्
    👌👌🖎

    ReplyDelete