Monday, 4 November 2019

પૃથ્વીનો પરસેવો પાણી

Saturday, 11 May 2019

Mother's Day

#Happy_Mother_Day
#Mother #Day

એ મારી માવડી તારો ઉપકાર...

મારા સર્વસ્વ ની ઓળખ,
હું તારા ખોળા નો ખૂંદ નારો,
મીઠા હાલરડાં ના એ સ્વરમાં,
હું પારણીયે નિંદ્રામાં પોઢતો,
એ મારી માવડી તારો ઉપકાર…

તારી આંખો ના સાગર માં,
મમતા ના એ બંધનમાં,
મને હજી તરવું છે,
તારી આંગળી પકડી ફરવું છે,
એ મારી માવડી તારો ઉપકાર…

અબુધ બાળ છું,
પણ તારો લાલ છું,
એક વખત તું ખિજાઈ લે ને,
બેટા કહીને ચૂમી લે ને,
એ મારી માવડી તારો ઉપકાર…

તારું જીવન મારી ઓળખ,
તારો પ્રેમ મારી દોલત,
મને ધનવાન કરી દે ને,
બેટા કહી બોલાવી જો ને,
એ મારી માવડી તારો ઉપકાર…

હું શ્રવણ નથી કે નથી શ્રી રામ,
કે કાવડ માં બેસાડી તને જાત્રા કરાવું,
હું તારો કાનુડો તું મારી યશોદા માવડી,
તારી મટુકી માંથી માખણ ચટાડી  દે ને,
તારા ચરણોનું સ્વર્ગ બતાવી દે ને,
એ મારી માવડી તારો ઉપકાર...

#સાચો
24-12-2018

Wednesday, 9 January 2019

સૂક્ષ્મદ્રષ્ટા -૩


#સૂક્ષ્મદ્રષ્ટા_૩

મહિલાઓ ને ભારતમાં ‘માતૃ શક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. માતા માટે અગાઉ ઘણી વખત લખી ચુક્યો છું. પણ આજ ના આ સૂક્ષ્મદ્રષ્ટા શ્રેણીમાં એક એવી મહિલા વિશે વાત કરવાની છે જે પુત્ર કે પુત્રી ને નહીં પણ એક માતાને જન્મ આપે છે.

માતા ને જન્મ આપે છે નો અર્થ આ સત્ય ઘટના ને લખવાનો મારો ત્રીજો પ્રયાસ છે. અગાઉ સૂક્ષ્મદ્રષ્ટા ના પ્રથમ અંકમાં પ્રાણીઓ ની મદદ કરનાર સેવા ધારી વડિલ ની વાત કરી હતી. સૂક્ષ્મદ્રષ્ટા -૨ માં માણસ ને માણસાઈ શીખવનારા રીક્ષા ચાલક શ્રી ઉદયસિંહ જાદવ ની વાત કરી હતી. આજે ત્રીજા અંકને આપના સમક્ષ મુકતા માતૃવંદનન વિશેષ અનુભૂતિ થાય છે.

રાત ના એક-દોઢ વાગ્યા હશે ને બાળકનો રડવાનો અવાજ સંભળાતા શાંત વાતાવરણમાં એ રડવાનો અવાજ ઓરડાની બહાર ઉભેલા સ્વજનો માટે ખુશીઓ ના વધામણાં કરનારો હતો બાળકને છાતીએ લગાડી રાત્રીના લગભગ ત્રણ વાગ્યે કપડામાં વીંટાળી બાળક ને બહાર લાવી તેના પિતાને બતાવતા જ પિતા જાણે કોઈ રાજ્યનો મહારાજા હોય તે રીતે પોતાનાં ફાટેલા કપડાંના ખિસ્સામાં હાથ નાખીને ખિસ્સામાં રહેલી છેલ્લી વધેલી વીસ રૂપિયાની નોટ કાઢીને બાળક લઈ આવનારી એ સ્ત્રીને આપવા ગયા જતા જ રોકાઈ ગયા. થોડું વિચારીને પૂછ્યું “એ કેમ છે?”

બાળકને હાથમાં લઈને ઉભેલી સ્ત્રી બોલી “કલાક સુધી જોર કરી ને થાકી ગઈ અને અત્યારે ભાનમાં નથી દસ પંદર મિનિટ પછી તમે મળી શકશો, નૉર્મલ થઈ છે.”

નૉર્મલ શબ્દ સાંભળીને તેણે હાથમાં રાખેલા વીસ રૂપિયા આપીને કહ્યું “બેન મારી પાસે આપવા માટે કશું નથી પણ તમને ભગવાન સુખી રાખે તેવી મારી પ્રાર્થના, આ વીસ રૂપિયા રાખો આટલા જ છે.”

“ભાઈ ! આ સરકારી દવાખાનું છે અહીંયા ફી ભરવાની જ નથી અને તમારે તો સાક્ષાત દેવી અવતરી છે સરકાર તમને પૈસા આપશે.”

“બેન ! આ તમારા માટે છે. સરકારી સહાય નું તો મને કાલે જ ડૉક્ટર સાહેબે કહ્યું હતું. નાનો માણસ છું તમે મને ના ન કહેતા. આ પૈસા ભેટ સમજીને રાખી લ્યો. આ મારું પ્રથમ બાળક છે. જ્યારથી એના સારા દિવસો ચાલતા હતાં હું પ્રાઇવેટ દવાખાનામાં જ લઇ જતો હતો, પણ અચાનક આ બધું થયું એટલે જ અહીંયા આવવું પડ્યું. આ વીસ રૂપિયા મારી માનતા ના છે. ભગવાન ના મંદિરે ચડાવવાના હતાં. અત્યારે તો મારા માટે આપ જ ભગવાન છો. કહેવાય છે ને ડૉક્ટર એ ભગવાન નું રૂપ છે. તો આ પૈસા રાખીને મારી માનતા ઉતારો.”

“તમે કહો છો તો હું આ પૈસા લઈ લઉં છું પણ હું ભગવાન તો નથી, થોડી સારવાર બાદ તમે તમારા બાળક અને તેની માતા ને લઈ જઈ શકો છો. બાળક અને તેની માતા બંને સ્વસ્થ છે છતાં કાલે સવારે બાળકોના ડૉક્ટર આવી ને તેનું ચેકઅપ કરે ત્યાં સુધી અહીંયા જ રહો તો વધુ સારું કાલે તમારે ધક્કો ન થાય.”

બાળક ને તેની માતા પાસે મૂકી હાથ સાફ કરી પર્સ માંથી પાંચસો રૂપિયા કાઢીને બહાર ઉભેલા બાળક ના પિતાને આપતા બહેને કહ્યું “હું મારા ઘરે જાઉં છું.આ પાંચસો રૂપિયા રાખો અને સવારે ભાભીને નાસ્તો અને ચા પીવડાવી દેજો. આ ભેટ નથી તમારી પાસે પૈસા આવે ત્યારે આપી દેજો. એક બહેન છે તેને ભલામણ કરી દીધી છે કોઈ કામ પડે તો મને ફોન કરી દેજો.”આટલું બોલીને બહેન પોતાના ઘરે જવા માટે ત્યાંથી નીકળી ગયા. બાળક ના પિતાને બોલવાનો મોકો આપ્યો હોત તો તે પાંચસો રૂપિયા પરત કરી દેતો.

થોડીવાર બાદ દવાખાના માં એકદમ શાંતિ છવાઈ ગઈ, તાજું જન્મેલું બાળક તેની માતા, પિતા સુઈ ગયા અને દવાખાનામાં હાજર સ્ટાફ તેના કાગજી કામમાં લાગી ગયો.

રાત્રીના બે-ત્રણ વાગે બહેન દવાખાને પહોંચ્યા અને બોલ્યા “કમળાબેન જલ્દીથી રૂમ તૈયાર કરો.” કમળાબેન કાગળો તૈયાર કરવામાં વ્યસ્ત હતાં અને અચાનક બહેન નો અવાજ સાંભળી થડકી ને બોલ્યા “બીજી સુવાવડ ! બેન ઇમરજન્સી છે?”

“હા, પેશન્ટ બહાર રિક્ષામાં છે હું તેને લઈને આવું છું. તમે જલ્દી કરો.”

પ્રથમ જન્મેલા બાળકનો પિતા ઝડપથી આવી ને બોલ્યો “બેન હું કોઈ મદદ કરી શકું?”

“તમે રીક્ષા માંથી બેન ને દવાખાના માં લઇ આવો, હું અને કમળાબેન અંદર તૈયારી કરીએ છીએ. પેશન્ટને જાળવીને ઉતારજો.”

દવાખાના ના પ્રસુતિગૃહ અંદરની તૈયારીઓ થઈ પેશન્ટને અંદર લઈ ગયા અને થોડી જ વારમાં ફરી એક બાળકનો રડવાનો અવાજ સંભળાયો.

બહેને કમળાબેન ને આગળનું કામ સોંપી અને દવાખાના બહાર પગ મૂક્યો અને ત્રીજી પેશન્ટ તૈયાર હતી. બહેને ચહેરા પર જરાય થકાવટ ન દેખાય તે રીતે પેશન્ટ ને પ્રસુતિ ગૃહમાં બોલાવી લીધાં અને ફરી એક બાળક નો એ જ પ્રકારે રડવાનો અવાજ આવ્યો ત્યાં સુધીમાં સવાર ના છ વાગી ગયા હતાં.

એક રાતમાં ત્રણ મહિલાઓ ની સફળતા પૂર્વક સામાન્ય સુવાવડ કરાવ્યા બાદ બહેન ના ચહેરા પર થાક જોયા બાદ કમળાબેન બોલ્યા “બેન ! અજય ને કાલે સ્કૂલે હું મૂકી આવીશ તમે ચિંતા ન કરતાં આરામ કરજો.”

બહેન ચહેરો રૂમાલ થી સાફ કરતાં બોલ્યા “વાંધો નથી, રમા છે ઘરે એ સાચવી લેશે.” કમળાબેન અને બહેન ની વાત ચાલુ હતી ત્યારે તેની વાત સાંભળનાર બાળક નો પિતા બોલ્યો “બહેન, રાત્રે બાર વાગ્યા થી અત્યાર સુધી તમે સતત છ સાત કલાક સુધી કામ કરતા રહ્યા છો. મેં ભગવાન જોયા નથી પણ તમને જોઈને એ તો વિચાર આવે છે કે અમારી ઘરવાળી દીકરો કે દીકરી જણે છે પણ તમે તો માતા જણો છો. મારી દીકરી ને હું ખૂબ ભણાવીશ અને તમારા જેવી બનાવીશ.”

આ વાત અને ઘટના મેં સાંભળી તેને ઘણા વર્ષો વીતી ગયાં એ બહેન એટલે કે માતાને જન્મ આપનારા સ્વ.શ્રીમતી ઉષાબેન ડી. ઝાલા FHS હતાં. આજે તે આ દુનિયામાં આપણા વચ્ચે નથી પરંતું તેના જેવું જ માતાને જન્મ આપવાનું કામ કરતાં શ્રીમતી હંસાબેન એન પીનારા ની મુલાકાત થયા બાદ તેમના વિશે માહિતી મેળવવા માટે પ્રયત્ન કરતા ખ્યાલ આવ્યો કે કચ્છના અંજાર તાલુકાના મેઘપર(બોરીચી) ના નવનિર્મિત PHC સેન્ટર માં ફરજ બજાવે છે અને 2004 થી ગયા અઠવાડિયે હું તેમને મળ્યો ત્યાં સુધીમાં 4332 મહિલાઓ ની નૉર્મલ પ્રસુતિ કરાવી છે. તેણી એ પણ પોતાના સેવા કાર્યમાં કરેલા પરિશ્રમ થી ઘણી માતા ને જન્મ આપ્યો છે.

તેમના બે બાળકો આકાશ અને દીપ 22 / 19 વર્ષના છે.

આ પ્રકારના લોકોને કોઈ ભેટ કે કિંમત થી નહીં તેમની કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતા નું યોગ્ય સન્માન આપવું તે પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેટલું બની રહે…

નોંધ : મારી આ વાર્તા સત્ય છે, પસંદ આવે તો લાઈક શેર કરજો પરંતુ એક લેખક માટે કોઈ રચના ને કાગળ પર ઉતારવા પણ મહેનત લાગતી હોય છે કૉપી પેસ્ટ મારા નામ વિના કરવી તે કોપીરાઇટ કાનૂન નો ભંગ ગણાશે.

આજે મારી દીકરી ના જન્મદિવસ પર મારી આ રચના તેને ભેટ કરું છું સાથે જ મહિલાઓ અને બાળ વિકાસ માટે કામ કરી રહેલા તમામ કર્મયોગી સેવા સાધકોને સમર્પિત કરું છું.

-સાચો
૧૦-૦૧-૨૦૧૯

Wednesday, 2 January 2019

સૂક્ષ્મદ્રષ્ટા -૨


સૂક્ષ્મદ્રષ્ટા -૨

ઘણા દિવસોથી ‘સૂક્ષ્મદ્રષ્ટા’ શ્રેણી ની આગળની વાર્તા લખવા માટે યોગ્ય દ્રષ્ટાંત શોધતો હતો. હું ખરેખર જે વ્યક્તિ વિશે માહિતી એકઠી કરી રહ્યો હતો તે વ્યક્તિ નો જ વીડિયો મને મોકલતા મારું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું.

સૂક્ષ્મદ્રષ્ટા વાર્તા શ્રેણી એ માત્ર વાર્તા નથી. માણસો ને માણસાઈ શીખવનારા સેવાવીર અને સામાજિક આદર્શ વ્યક્તિત્વ ની ઓળખ કરાવવાનું એક માધ્યમ પણ છે. આપણી આસપાસ ઘણા લોકો આ પ્રકારના સેવા કાર્ય કરતાં હોય છે પરંતુ તેની પાછળ તેઓ નો હેતુ માત્ર સેવા જ હોય છે. આજની વાત એવા જ એક વ્યક્તિ પર આધારિત છે.

આશરે પાંચ-છ વર્ષો પહેલા અમદાવાદ રેલવે સ્ટેશને શિયાળાની કડકડતી ઠંડીમાં કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા બાદ અપૂરતા ગરમ કપડાં ને કારણે ઠંડી એટલી વધુ લાગી કે હાથમાં પકડેલી સૂટકેશ હાથ માંથી ક્યારે સરી ગઈ તેનું પણ ભાન ન રહ્યું, થોડો આગળ વધ્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે મારી સૂટકેશ…?

ઠંડીને કારણે કાન પણ સુન્ન થઈ ગયા હતાં, પાછળ ફરીને દોડવા માટે મુઠીઓ વાળી ત્યાં જોયું કોઈ દૂર થી મને બોલાવે છે અને મારી સૂટકેશ તેના હાથમાં ઉંચી કરીને બતાવે છે. હવે દોડવાનો કોઈ અર્થ ન રહ્યો કેમ કે કોઈ વ્યક્તિ જો તમારો સામાન પાછો આપવા માટે તમને રાડો નાખીને બોલાવતો હોય તો તે વ્યક્તિ તમારી વસ્તુ પાછી આપવાનો જ છે.

તેના પાસે પહોંચ્યા બાદ મેં મારી સૂટકેશ લેવા માટે તેના સામે હાથ લાંબો કર્યો પણ તેણે મને સૂટકેશ આપવાને બદલે ગરમ શાલ આપી અને સૂટકેશ લઈ મારી સાથે આવવાનો હોય તેમ ચાલવા લાગ્યો.

અમદાવાદ વિશે અમુક વડીલો અને મિત્રોએ મારા મનમાં ઘણી વાત કરી હતી એ પૂર્વાગ્રહ ને કારણે મને તે વ્યક્તિ પર ભરોસો ન થયો અને મારી સૂટકેશ માંગી સાથે એ પણ ધ્યાન આપ્યું કે તેને એવું ન લાગે કે મારા પર ભરોસો નથી.

તેણે કહ્યું “વજન નથી, હું ઉપાડી લઈશ.” તેના આગ્રહ ની અવમાનના ન કરી અને તે ભાગે નહીં તે માટે તેની નજીક ચાલતા ચાલતા તેનો પરીચય પણ લેવાનું ચાલુ રાખ્યું.

“અમદાવાદ ના છો?” તેણે પૂછ્યું.
મેં કહ્યું “હા, અમદાવાદ નો, તમે?”
“બોલી તો કાઠિયાવાડી જેવી છે.” તેણે જવાબ આપવા ના બદલે સવાલ કર્યો એટલે મેં સવાલ ફરી પૂછ્યો. “તમે કયા ના અહીંના કે બહારના ?” તેણે અમદાવાદી છું કહ્યું ને મારી ચિંતા વધી ગઈ. મનમાં વિચારતો જ હતો કે કયા વિસ્તાર ના છો તેમ ન પૂછે તો સારું ને તેણે એ જ સવાલ કરી ને મને મૂંઝવણમાં મૂકી દીધો. હવે કાઠિયાવાડી કચ્છી ને અમદાવાદ ના એક જ વિસ્તાર નું નામ આવડતું હોય ‘પાલડી’ મેં પણ પાલડી નું નામ ઠોકી દીધું. ત્યાં સુધી તો રેલવે સ્ટેશન ની બહાર સુધી પહોંચી ગયા હતા. હવે એ જ જોવાનું હતું કે કોઈ અમદાવાદ જેવા શહેરમાં મારી મદદ કરે છે કે બેગ લઈ ને ભાગે છે?

તેણે એક રીક્ષા પાસે જઈને મારી બેગ મને પરત કરી ને પૂછ્યું “કચ્છ જવું છે કે ભાવનગર?” મારી આંખોના ફાટી ગઈ કે આ ભાઈ મારી સાથે અહીં સુધી આવ્યો એટલી વારમાં મારે ક્યાં જવું છે તેની પણ માહિતી તેની પાસે આવી ગઈ હોય તો મને છેતરી ન શકે અથવા તો છેતરવાનું ચાલુ થઈ ગયું છે.

મને આટલી વાર સુધી તેનું નામ પણ ન ખબર પડી ને તે મારી વિશે માહિતી કઈ રીતે લીધી હશે? તેનાથી વધુ મને ખુશી તો એ થઈ કે બેગ મારી પાસે છે હવે ચિંતા જેવું કશું નથી.

“પાલડી જવું છે ને? બેસો આ રિક્ષામાં.”

હવે તો તે વ્યક્તિ ચોર નહીં પણ આતંકવાદી અથવા જાસૂસ લાગ્યો, મેં કોઈ લાજ શરમ વિના પૂછી જ લીધું “ભાઈ, મારા પર આટલો ઉપકાર કેમ ? આપને કેમ ખબર કે હું કચ્છ જાઉં છું, મારે પાલડી જ જવાનું છે? તમે જો મને લૂંટવા માંગતા હોય તો જણાવવા માંગીશ કે મારી પાસે 500 રૂપિયા થી વધુ નથી.”

મારા સવાલોના પ્રત્યુત્તર માં માત્ર એક સ્મિત મળતાં મને થયું કે હું તેનું અપમાન કરું છું. ચારે તરફ નકારાત્મકતા ને કારણે એક વડીલ સમાન મદદ કરનાર વ્યક્તિ પર મેં અવિશ્વાસ કર્યા નો પછતાવો કરવા શુ કરવું? મેં બે હાથ જોડીને માફી માંગી. મદદ કરનાર વ્યક્તિ પ્રત્યે આદર અને પ્રેમનો ભાવ માત્ર તેના આછા સ્મિત થી જ આવ્યો. તેમના જવાબ થી વધુ હવે તે માફી આપે તે મહત્વનું લાગ્યું. તેમણે પણ મારી સામે હાથ જોડીને પોતાનું કદ ખૂબ ઊંચું કરી લીધું અને મેં પૂછેલા બધા સવાલોના જવાબ રિક્ષામાં બેસો પછી આપું કહ્યું. હું તે રિક્ષામાં બેઠો અને તે ભાઈ એ આગળ બેસીને રીક્ષા ચાલુ કરી મને થયું કે તે કુલી હશે પણ તે તો રીક્ષા ચાલક નીકળ્યો ! ચુપચાપ રીક્ષામાં બેસીને પાલડી પહોંચવાની રાહ જોઈ રહ્યો. રાતનો ઉજાગરો અને ઠંડો સૂસવાટા મારતો પવન અજાણ્યું શહેર અજાણ્યો માણસ આ બધું એક સાથે થઈ રહ્યું હોવાથી માથું ચકરાવવા લાગ્યું અન ઝોલું આવી ગયું ત્યાં તો એક જોરદાર બ્રેક લાગી અને મારા મોઢા માંથી ચીસ નીકળી “ઓહ… માડી.. ભાઈ જોઈને ચલાવો…”
“માફ કરજો એક કૂતરું અચાનક આડુ આવી ગયું હતું, તમે સુઇજાઓ હવે ધ્યાન રાખીશ.”
મારા સ્વભાવ પ્રમાણે મને તેના પર ગુસ્સો આવવો જોઈએ પણ ગુસ્સો ન આવ્યો અને તે માણસ સજ્જન હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું હતું. આછા અજવાળામાં રીક્ષા ના કાચમાં તેના ચહેરા ના ભાવ સેવાભાવી અને કર્મપ્રિય વ્યક્તિ ના લાગતાં હતાં.

પાલડી બસ સ્ટેન્ડ પાસે મને ઉતારી મારી બેગ રીક્ષા થી નીચે ઉતારી બોલ્યો “આ રહ્યું પાલડી બસ સ્ટેન્ડ…”

મેં તેનો આભાર માની પૂછ્યું “કેટલા થયાં?”

તેણે એક ડબ્બો મારી સામે ધરી દીધો અને કહ્યું કે “તમે મારા આજનાં પ્રથમ પેસેન્જર છો તો તમારું ભાડું નથી લેવાનું પણ આવનારા પેસેન્જર માટે આપને જે ઠીક લાગે તે ભાડું આપ ચૂકવી શકો છો.”

આશ્ચર્ય સાથે મેં તે ડબ્બા એક નોટ મુકતા સાથે કહ્યું “ભાઈ! આ રીતે ધંધો ન થાય… આ તો હું છું કે પૈસા આપું છું. તમારા અમદાવાદ વિશે મેં જે સાંભળ્યું છે તેના પ્રમાણે તો આવા ધંધા કરશો તો ભૂખે મરશો.”

તેનું એક વાક્ય એ અમદાવાદ અને અમદાવાદીઓ માટે મારા મનનો પૂર્વાગ્રહ છોડવા માટે કાફી હતો.

તેણે કહ્યું “સારું શોધો તો સારું મળે, સારપ અને ખરાબી તો દરેકમાં હોય પણ તમે જેવાં વિચાર કરો તેવું મળે તે જિંદગી. તમે તમારા ગામ જઈને જ્યારે અમદાવાદ વિશે વાત કરશો ત્યારે અમદાવાદ વિશે તમે ખુશ થઈને કહેશો મારું ભાડું તો એ જ છે.”

પાંચ છ વર્ષ બાદ શ્રી ઉદયસિંહ જાદવ નો આ કાર્ય સાતત્ય પૂર્વક કરતો વીડિયો જોયો અને તેના પર ઈન્ટરનેટ અને સમાચાર પત્રો માં સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે મહાન અભિનેતા શ્રી અમિતાભ બચ્ચન, પૂજ્ય શ્રી મોરારીબાપુ એ પણ એ સેવાધારી રીક્ષા ચાલક ની રીક્ષા માં બેસવાનો લાભ ઉઠાવ્યો છે.

સૂક્ષ્મદ્રષ્ટા વાર્તા શ્રેણી નો બીજો અંક શ્રી ઉદયસિંહ જાદવ ને પૂર્ણ સમર્પિત કરતાં મને ખુશી થાય છે…

આ વાર્તા માત્ર વાર્તા નથી સત્ય ઘટના છે. મારી વાર્તા અથવા તેના કોઈ પણ ભાગને મારી મંજૂરી વિના કૉપી કરવો કે પ્રકાશિત કરવો કોપીરાઇટ્ નું ઉલ્લંઘન ગણાશે. આપના અભિપ્રાય આપશો તો ખૂબ આનંદ થશે.

-સાચો
૦૧-૦૧-૨૦૧૯

Tuesday, 25 December 2018

બાપા નો ઝાંપો ૧

#બાપા_નો_ઝાંપો
મિત્રો ૧-૧-૨૦૧૯ થી મારા પિતાજી સાથે ના અનુભવો, પિતાજીના બહાદુરી અને કાર્યદક્ષતા નું શાબ્દિક વર્ણન કરતી વાર્તા શ્રેણી શરૂ કરવા જઈ રહ્યો છું. માતા અને પિતા બંનેનું મહત્વ દરેક બાળક માટે છે. મારી આ વાર્તા શ્રેણી આપને આપના પિતાજી થી ખૂબ નજીક લઈ જાય તેવો પ્રયત્ન કરીશ. આ વાર્તા દ્વારા થોડું હાસ્ય અને કરુણતા બંને ને સમાન રૂપમાં દર્શાવવામાં હું સફળ રહું તે માટે આપનો સહકાર અને આપના પિતા સાથેના સ્મરણો મને મોકલતા રહેજો જેથી આપની વાત મારા શબ્દોમાં કહીને આ શ્રેણી આગળ ઘણા લાંબા સમય સુધી ચાલતી રહે અને પિતાના સ્મરણો વાંચકોને પહોંચાડી શકું...
“જ્યારે કોઈ તકલીફો હોય ત્યારે “મા” યાદ આવે પરંતું તકલીફોને માત આપીને આગળ વધીએ ત્યારે બાપ યાદ આવે.”
રાતનાં અંધારામાં ઝાંપો ખખડવા નો અવાજ આવ્યો ને મારી ઊંઘ ઊડી ગઈ, મારી ગર્ભવતી પત્નિ નો પ્રસવ સમય નજીક આવી ગયો હતો તેની તકલીફો જોઈને એ જ સમયે રીક્ષા શોધવા નીકળ્યો. મારા નસીબ સારા ઘર પાસે જ રીક્ષા મળી ગઈ.
મારી માતા એ સમયે મારી ગર્ભવતી પત્ની સાથે હોસ્પિટલ પહોંચ્યા. અસહ્ય પ્રસવ પીડાથી પીડાતી મારી પત્ની ને મા એ શાંત રહેવા કહ્યું. થોડી વાર માં ડોક્ટરે ચેકઅપ કરી ને કાન માંથી સ્ટેથોસ્કોપ કાઢતાં બોલ્યા “હજી સમય છે. લગભગ કાલ સવાર સુધી તો રાહ જોવી જ પડશે, પીડા ઓછી થાય તેના માટે તેને જરૂરી દવાઓ લખી આપી છે બાજુના મેડિકલ સ્ટોર પર થી દવા લઈ આવો.”
ડોક્ટરે દવાનું પાનું મારા હાથમાં પકડાવ્યું ને તરત બાજુના મેડિકલ સ્ટોર થી દવાઓ અને ઇન્જેક્શન લાવીને ડૉક્ટર ને આપ્યા, ડોક્ટરે એક ઇન્જેક્શન લગાવ્યું અને થોડીવાર માં તે શાંતિ થી સુઈ ગઈ.
અમારા પ્રેમ નું પ્રતીક પ્રથમ બાળક આવવાનો સમય નજીક આવી રહ્યો હતો, હૃદયના ધબકારા લગભગ બે ગણા થઈ ગયા હશે. જ્યાં સુધી બાળક નો જન્મ ન થાય ત્યાં સુધી સમય પસાર કરવા માટે થોડીવાર આમથી તેમ આંટા મારતો જોઈ માતાએ તેની પાસે બેસવા કહ્યું માતા પાસે જઈને બેઠો એટલી વારમાં એક નર્સ ફોર્મ લઈને આવી, જાણે આ દુનિયામાં માણસાઈ બચી જ ન હોય તેવા સ્વરે મને ફોર્મ સાથે 4000 રૂપિયા તાત્કાલિક જમા કરાવવા માટે કહીને જતી રહી.
પત્નિની પ્રસુતિ સમયે પૈસાની જરૂર પડશે તેના માટે મેં આઠ માસથી પૈસા ભેગા કરવાના શરૂ કરેલા તે આજે આપતા ખચકાટ ન થયો કેમ કે આ એ જ કાર્ય માટે હતાં. સવાર સુધી હું પુત્ર અને પતિ થી પ્રમોશન મેળવી ને પિતા બનવાનો છું. બસ એ જ ખુશી થી હજાર હજાર ની ચાર નોટો કાઢીને તરત આપી દીધી અને ફટાફટ ફોર્મ પર હરખના હસ્તાક્ષર કરી દીધા.
મારી માતા પણ દાદી બનશે એવા હરખમાં ફુલાય ગઈ. તેમની ખુશી શબ્દો બની ને ખીલવા લાગી. પુત્રી, પત્ની, માતા અને હવે દાદી !! પુત્રી તરીકેના જન્મ પછીનું ચોથું પ્રમોશન એટલે મારા થી વધુ એ ખુશ હતાં. હરખ માં મારા જન્મ ના સમયની વાત કરવા લાગ્યા.
“તારા જન્મ વખતે આવું કાંઈ નોતું, સરકારી દવાખાના માં તારો જન્મ થયો ત્યારે આવા ફોરમ બોરમ નોતા. તોય તારા પપ્પા એ પૈસા બચાવીને રાખ્યા હતા. એને તો તારા પેલા એક મોટો ભાઈ ગુજરી ગયો ત્યારથી સરકારી દવાખાના ગમતા જ નય પણ માસી દવાખાના માં હતાં એટલે એના ઉપર ભરોસો હતો તે સરકારી માં ગયા.”
“તારી પાહે પૈસાની સગવડ તો છે ને? આ દવાખાનું જોઈને તો લાગે છે કે સાત આઠ હજાર તો થાહે.”
“તારા પપ્પા ને ફોન કર એની પાહે હશે.”
માતા સામે હસીને હું બોલ્યો “તમે ચિંતા ન કરો મેં આઠ મહિના થી ભેગા કરી રાખ્યા છે, અને છતાં પણ મેં પપ્પા ને ફોન કરી દીધો છે તે સવાર સુધીમાં આવી જ જશે, અત્યારે જરૂર નઈ પડે.”
માતાએ મારી પ્રસંશા કરતાં મારા માથે હાથ મૂકીને કહ્યું “તું તારા પપ્પા જેવો જ છો.”
“તારો જનમ થયો ત્યારે હીરા ઘસતા અને સવારે રેડિયો રીપેર કરવા લઈ આવતા, રોજ કાંઈક બચત તો કરે જ કોય ‘દિ  કોઈને વળતો જવાબ નો આપે, તારા જનમ પેલા ઘરમાં પંખો ય નોતો એણે પંખા માટેય પૈસા ભેગા કરી રાખ્યા હતાં.”
આ વાત થી હું હજી સુધી અજાણ હતો પિતાજી ને હંમેશા ગુસ્સો કરતાં જ જોયા હતાં, એ તેનો પ્રેમ હતો. કુંભાર અને માટલાં વાળી વાત તો આપ જાણો છો તે નહીં કરું પરંતું મારા માટે બાપ બનવાની ખુશી થી વધારે ખુશી એ વાતની હતી કે આટલી ખરાબ આર્થિક સ્થિતિ હોવા છતાં તે તકલીફો વચ્ચે પણ આવનારા બાળક ને તકલીફ ન પડે તેના માટે રાત દિવસ પોતાના માનસમાં ઉછેરતા એ પિતા મને ઈશ્વરની ભેટ લાગવા લાગ્યા. મને ભણાવી ઈજનેર બનાવ્યો ત્યારબાદ પણ મારા આવનાર બાળકને પણ તકલીફ ન પડે તે માટે વિચાર કરવો એ પ્રસવપીડા સમાન કહી શકાય.
પિતાજીના હોસ્પિટલમાં આગમન સાથે હું તેને ભેટી ને રડ્યો તે જ સમયે લેબર રૂમ માંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો. પિતા દાદા બન્યા પુત્ર બાપ અને નવી જિંદગી ની શરૂઆત એક રુદન ના આવાજે કરી. પરિચારિકા એક નાજુક બાળક લઈને બહાર આવી ત્યાં સુધીમાં નાનોભાઈ અને મારા સાસુ પણ ત્યાં પહોંચી ચુક્યા હતાં.
આજે આ વાત ને લગભગ દસ વર્ષ બાદ પણ યાદ કરું ત્યારે ગળું ભરાઇ આવે. એક પિતાજી ની છત્રછાયામાં ઉછરનાર ક્યારેય તકલીફો થી ડરીને ન બેસે હંમેશા લડવાની હિંમત અને ભવિષ્ય ની યોજના બનાવી રાખવા સક્ષમ બનાવે.
એક પિતા ની તકલીફ સમજવા પિતા બનવું જરૂરી નથી. માતાના ખોળામાં માથું મૂકીને પિતાનો ઠપકો અને ગુસ્સાને સમજવાની કોશિશ કરો.
બાપા નો ઝાંપો વાર્તા નો આ એક અધુરો અંક વાંચીને જો આનંદ થાય તો માત્ર એક વખત બાપા ને ગળે લગાવી ચૂમી લેજો.
-સાચો
૨૫-૧૨-૨૦૧૮

Tuesday, 6 November 2018

રાષ્ટ્રધર્મ


મેરા અને મધુ નો ત્યાગ
મેરા એ ફાટેલો ખાદીનો થેલો ખંભે ચડાવ્યો અને ઘોડિયામાં સુતેલા  બે વર્ષનાં બાળકને માથે હાથ ફેરવી કપાળે ચુંબન કર્યું અને ઘરનો દરવાજો ઓળંગતા સામે ઉભેલી સ્ત્રી ના હાવભાવ થી ડધાઈને બોલ્યો “મને ખબર હતી તું પડખું ફેરવી જઈશ, તારા નિર્ણયો મારાં પર થોપવા લાગીશ માટે જ તને કહ્યા વિના જ જવું હતું. તું દરવાજાની સાંકળ બની ને ઉભી છો તો તને જણાવી દઉં કે હું એક બાળકનો પિતા છું. હવે હું નાનો નથી કે તારી દરેક વાત માનું હું જાઉં છું મને રોકવાનો પ્રયત્ન ન કરતી.”
સામે ઉભેલી સ્ત્રીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો છતાં મેરો કોઈ વિદ્રોહ કરતો હોય તેવી રીતે આ સ્ત્રી સામે વાત કરતા આગળ બોલ્યો “ ચકલીનાં બચ્ચા માળામાં ત્યાં સુધી જ રહે જ્યાં સુધી પોતાની પાંખો થી ઉડતાં ન શીખે, ઉડતાં આવડે એટલે પોતાનાં નિર્ણયો જાતે જ લેતાં હોય અને તેની માતા પણ તેને ચાચમાં ભરીને ખવડાવવા નું બંધ કરીદે છે. કેટલાં દિવસ સુધી તું મને ખવડાવીશ ? હું મારાં નિર્ણય પર અડગ છું અને આ ઘરનો ત્યાગ કરવાનો મેં નિર્ણય કરી લીધો છે.”
મેરા ની વાત ચાલુ હતી ત્યાં જ ઘોડિયામાં સુતેલાં બાળકનો રડવાનો અવાજ સંભળાયો અને તે સ્ત્રી પૂરી વાત સાંભળ્યા વિના રડતાં બાળકને શાંત કરવાં માટે અંદર પહોચી ઘોડીયાની દોરી હલાવી બાળકને શાંત કરી ને દબાયેલાં અવાજ માં બોલી “ તારે જવું છે તો જા હું કોણ તને  રોકવાંવાળી ? તને કોઈ તકલીફ થતી ત્યારે મેં તને આવી રીતે જ ચુપ કરાવ્યો હતો.તારું મારા પ્રત્યે વર્તન બદલાઈ જશે તેવું મેં સપને પણ વિચાર્યું નહોતું.”
મેરા એ વાત કાને ન ધરી અને પોતાની વાત શરુ રાખી “મને કોઈ તકલીફો થશે તો હું તેના માટે કોઈને દોષ નહિ આપું અને મને તે સાચવ્યો તે તારી ફરજ હતી. મારા નિર્ણય ને હું બદલી ન શકું.”
રૂપાએ મેરા નું બાવડું પકડી ઘર બહાર ખેચી ને  લઇ જતાં કહ્યું “ભાઈ, કોણ પડખું ફેરવે છે હું કે તું ? તારે જવું છે તો જા તને રોકવાનો મારો કોઈ ઈરાદો નથી. અરે હું તો તારું મોઢું જોવા પણ તૈયાર નથી. આ  નિર્વાક બાળક પ્રત્યે તારી કોઈ કાર્યધુરા નથી ? જ્યારે આ બાળક મોટો થશે અને પૂછશે કે મારો બાપ ક્યાં છે ત્યારે શું જવાબ આપું તેને ? એમ કહું કે તે તને છોડી ને દેશ ધર્મ નિભાવવા ગયો છે ? જેલમાં સડવા ગયો છે ? એવી ક્રાંતિ કરવા ગયો જેનો અંત કાલાપાણીની  સજા અથવા મૃત્યુ દંડ હોય ? હું તારી સગી બહેન નથી પરંતુ તને સમજદાર બનાવ્યો તેનો બદલો તું આવી રીતે આપીશ તારા બાળક નો શું વાંક છે ?
મેરા એ  ગુસ્સામાં કહ્યું “આ બાળક હજી બોલતાં નથી શીખ્યો માટે તેને મારી સાથે ન લઇ જઈ શકું. તું તેનું ધ્યાન રાખજે અને મારા વિષે સાચી માહિતી તું આપીશ તે મને પૂરો વિશ્વાસ છે. આમ તો સિંહ ના ઘરે સિંહ જ પાકે પણ તે બકરી ન બને તેનું ધ્યાન રાખજે.”
રૂપાએ ભાવનાત્મક સંબંધો થી પણ મેરા ને રોકવાનો પ્રયત્ન કર્યો પણ મેરો તો દેશ કાર્ય માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરવા તત્પર હતો. તે કોઈનું સાંભળે ખરો?
રૂપાએ મેરાને રોકવાં અંતિમ પ્રયન્ત કર્યો તેણે આક્રંદ સાથે કહ્યું “હું તારી સગી બહેન નથી માટે તું મારું કહ્યું નથી માનતો. શું મારો તારા પર કોઈ અધિકાર નથી ? હું આ બાળકને ગમે તેટલો સાચવું એક દિવસ તે પણ તારી જેમ જતો જ રહેશે. મારું કોણ ?”
મેરાએ કહ્યું “ બહેન તું મારી સગી બહેન થી પણ વિશેષ છો, મને ભાવોત્કંપીતા થી ડગાવી નહિ શકે. મેં પહેલાજ કહ્યું હતું કે હું મારા નિર્ણય પર અડગ છું. હું નહિ જાઉં તો દેશ માટે કોણ લડશે ? મારા બાળક માટે તો તું છો દેશ માટે કોઈએ તો જવું જ પડશે ? બધા પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર ઘરે બેઠા હશે તો આ અંગ્રેજો સાથે કોણ લડશે ? હું પ્રતિજ્ઞા થી બંધાયેલો છું મારે જવું પડશે. ભારતમાતા પ્રત્યે મારું ઋણ ચુકવવું પડશે.”
રૂપાએ કહ્યું “ તારી પત્ની ને ખબર છે કે તું જાય છે ? તું થોડી વાર રોકાઈ જા મધુ હમણાંજ આવતી હશે. તેને મળી ને જ જે એ તારી અર્ધાગીની છે.”
રૂપા અને મેરા નો સંવાદ ચાલતો હતો ત્યારે મધુ ત્યાં પહોચી અને ચહેરાનો ભાવ બદલ્યા વિના માથે ઘૂમટો તાણીને બોલી “તમે હજી સુધી જવાની તૈયારી નથી કરી પુત્ર મોહ કે બહેન ની લાગણીએ બંધાઈ ને પાછા પગ તો નથી વાળતાં ને ? જો પાછી પાની થાય તો સમજજો હું આયરાણી છું.તમારાં જીવતા વિધવા ની જેમ જીવવામાં મને સંકોચ નહિ થાય.”
મધુ ની ગંભીર ચેતવણી થી રૂપાને કાળજું થીજી ગયું હોય તેવો ધ્રાસકો પડ્યો અને રૂપાએ  ઊંધા હાથની એક થપ્પડ મધુ ના સુંવાળા ગાલ પર છાપી દિધી.
“હું મારાં ભાઈને તારા માટે રોકવાનો પ્રયત્ન કરતી હતી અને તે તેનાં વિશે આવો હલકો વિચાર કર્યો ? તને ખબર પણ પડે છે કે તું શું બોલી છો ?”
“માફ કરજો રૂપા બહેન હું એક દેશભક્ત આહિર ની પત્નિ છું જો મારાં પતિ દેશના કામ ન આવી શકે તો મારા આ બાળકને મોટા થયા બાદ શું કહીશ કે તારા કારણે તારો બાપ દેશનાં કામ ન આવ્યો? એના કરતાં તો હું વાંઝણી રહી હોત તો સારું હતું.” મધુ એ ફરી એકવાર બળતામાં ઘી હોમયુ.
મેરા એ રૂપાના પગે હાથ લગાડીને કહ્યું “બહેન, મારાથી કોઈ અસભ્યતા થઈ હોય તો માફ કરજે પણ મેં અને મધુએ અમારી આગળની જીંદગી દેશના નામે કરી છે. આ બાળક હવે તારી જવાબદારી છે. તેને અમારાં વિશે જણાવવાની જરૂર પડે તો જણાવજે.”
રૂપા તેનાં ભાભી મધુ ને ભેટી ને બોલી “આ મેરો નાનો હતો ત્યારે મારી માડી પાસે મૂકી  તેના માતા પિતા અંગ્રેજો સામે લડવા માટે રાજા સાહેબ ની સેના સાથે ગયા અને હજી સુધી પાછા નથી આવ્યા.  હું દશ વર્ષની હતી ને આ ત્રણ વર્ષનો મેં એને ભાઈ થી વધુ દીકરો માન્યો છે. મારી માડી દેવ થઈ ત્યારે મને આની જવાબદારી સોંપીને ગઈ હવે તે મારા કહ્યા માં નથી મને થયું કે તું એને સમજાવીશ તો સમજી જશે પણ તું એ તેના જેવી નીકળી, અમે તો ચારણ છીએ માતાજી ને પ્રાર્થના કરી શકીએ કે બધાને સાજા વાના રાખે બાકી તો જેના નસીબ માં જે લખ્યું હોય એ જ થવાનું. મેં તને લાફો માર્યો તેને મારો પ્રેમનો આશીર્વાદ સમજી ને જાઓ બેય ભારતમાતા તમારા તમારી રક્ષા કરે આ સાવજ જ્યારે મોટો થશે ત્યાં સુધી  તમારા ત્યાગ ની વાત એનાં કાનમાં કહેતી રહીશ એક દિવસ એ પણ એની પત્ની સાથે દેશનું કામ કરવા નીકળશે ને મારો ભવ તરી જશે.
મધુ અને મેરો પાછુ જોયા વિના દેશ કાજે નીકળી ગયા…
આગળ ની વાર્તા આવતાં અંકે…
|| ભારતમાતા ની જય ||
-સાચો
06-11-2018

Monday, 15 October 2018

ગુલામી નો અંત.

ગુલામી નો અંત

(ઈ.સ. ૧૯૪૭ ૧૫મી ઓગષ્ટ, ભારત દેશ સ્વતંત્ર થયો. દેશ પર થી ૧૫૦ વર્ષો થી છવાયેલા ગુલામીના લોહિયાળ વાદળો હટતા દેશવાસીઓ પાછલા બધા દુખો ભૂલી ને સ્વતંત્રતા નો આનંદ માણવા રાજધાની પર એકઠા થયા. પરંતુ એ જ સમયે બનેલી એક ઘટના.)

    રંગુનની જેલમાં કાલાપાની સજા યાતના ભોગવનારા સ્વાધિનતા સેનાનું જહાજ મધદરીએ પહોંચ્યું ત્યારે એક સૈનિક અધિકારીએ સૈનિકને ધીમા પણ ધમકી ભરેલા અવાજે બોલાવી કહ્યું “કિસી કો કુછ હોના નહિ ચાહીએ. અગર કુછ હોગા તો હમ તુમારા ચમડે સે બેલ્ટ બના દેંગે. જહાજ કે કપ્તાન કો બોલ કર આઓ."

    "જી સાહેબ" - બોલીને સલામ કરતો તે જહાજના કપ્તાન પાસે અધિકારી ની સૂચના પહોંચાડી આવતો હતો ત્યારે તેનું ધ્યાન એક ખૂણામાં ઉભેલા વ્યક્તિ પર ગયું.

     અર્ધનગ્ન શરીરે ઉભેલા યુવાન ના ચહેરા અને પીઠપર ચાબુક ના તાજા નિશાન કસાયેલા શરીરની મજબુતી અને તીવ્ર દેશભક્તિ દર્શાવી હતી. ટૂંકા વાળ, પગ અને હાથમાં મોટી સાંકળ વીરતા ના આભૂષણો જેવા લાગતાં હતાં. અંગ્રેજ નો સૈનિક તેની પાસે જઈ બોલ્યો "એય જહાજ થી ભાગવાનું વિચાતો હોય તો રહેવા દેજે. તારા શરીર પર સમુદ્ર નું થોડું પાણી પણ લાગશે તો તેની પીડા તું સહન નહીં કરી શકે અને એમ પણ આ જહાજ મધદરિયે છે. શાંતિથી તારી કોટડી માં જતો રહે..."

    યુવાન ગુસ્સામાં જવાબ આપવા પાછળ ફર્યો તેની આંખોમાં દેશદાઝ નો જ્વાળામુખી ફાટુ ફાટુ થતો દેખાતો હતો. સાકળ બાંધેલા હાથે અંગ્રેજ સૈનિક ને એક હાથે ઉપાડી યુવાને કહ્યું "ભુરીયા સમુદ્ર ગમે તેટલો ખારો હોય તારા સાશન વિરુદ્ધ મારી રગોમાં ભરેલી ખારાશ થી વધુ ન હોય શકે." આટલું બોલીને સૈનિક ને નીચે પટક્યો.

    સૈનિક ગુસ્સામાં બબડતો અધિકારી પાસે તેને સજા આપવા કહ્યું. અધિકારીએ તેને સમજાવતા કહ્યું " હમકો ઉપર સે ઓડર આયા હે કી જબતક કેદી કલકતા જેલ તક નહિ પહુચે કિસી ભી કેદી કો મારના નહિ.સારે કેદી કો સલામત પહુચાના હમારી મજબૂરી હે નહીતો હમ ઉસકો ઇસી જહાજ સે ફીક્વા દેતે." અધિકારીની વાત અધકચરી સાંભળી ને સૈનિક નો જુસ્સો વધી ગયો ઉપર થી આવેલા આદેશ વિશે તેણે ધ્યાન ન આપ્યું અને જહાજ પર પડેલી મીઠા ની બોરી માંથી એક મુઠ્ઠી મીઠું લઇ ને તે યુવાન પાસે ગયો અને તેના શરીરના ઘાવ પર ઘસી નાખ્યું. અંગ્રેજ સૈનિક ની આ કરતુત ની એ યુવાન પર જરા પણ અસર ન થતાં સૈનિક વધુ ગુસ્સે થયો. અને કાંટાળી ગદા જેવા હથિયાર થી તેના શરીર પર વાર કર્યો. 'સિંહ સાંકળે બાંધેલો હોય તો પણ તે સિંહ જ કહેવાય' સૈનિક નો આ વ્યવહાર નવો ન હતો. યુવાન સાવજ પણ માભોમ ની સ્વતંત્રતા માટે કાલાપાની સજા ભોગવતો હોય તે આવી યાતના થી ટેવાયેલો હોય. જેનાં જીવનનું અંતિમ લક્ષ્ય જ પૂર્ણ સ્વતંત્રતા હોય તે એક મુઠ્ઠી મીઠાથી ન ડરે. ગુસ્સે થયેલા સૈનિકના પ્રહારની તીવ્રતા વધવા માંડી અંતે યુવાન મૂર્છિત થયો. સૈનિકે મૂર્છિત યુવાન ના શરીર ના ઘાવ ને વધુ પીડા આપવા અને અપમાનિત કરવાં તેના મોઢા અને પીઠ પર પેશાબ કર્યો. તેનાથી પણ તેને શાંતિ ન થઇ અને એક લાકડાનો ટુકડો તેના બે પગ વચ્ચે મારી ને બોલ્યો " ઓડર મારા અધિકારીને મળ્યો છે, મને નથી મળ્યો."

    કેદીઓને કલકતા બંદરે થી કલકતા ની જેલમાં પહોચાડવા માં આવ્યા. મૂર્છિત યુવાન ક્રાંતિકારી ને પણ કલકતા જેલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા. જે સૈનિકે તેના પર અત્યાચાર કર્યો તે સૈનિક પણ તેની સાથે એટલા માટે ગયો કે જ્યારે પણ ભાનમાં આવે ત્યારે ફરી તેને બેભાન કરી દઈએ જેથી કરી તે યુવાન કોઈ અધિકારી સુધી ફરિયાદ ન પહુચાડી શકે.

    સાંજના સમયે તાર દ્વારા બધા કેદીઓને મુક્ત કરવાં આદેશ થયો. ગુલામીની સાંકળો ખુલવા માંડી એક એક કરીને બધા સ્વતંત્રતા સેનાની જેલ મુક્ત થયા. પણ એ સાવજ યુવક હજી જીવન કે મૃત્યુ ના કિનારે પહોચ્યો ન હતો. રાત્રીના બાર વાગતાં સાથે ભારત સ્વતંત્ર દેશ જાહેર થયો. માતૃભુમીની સ્વતંત્રતા માટે પ્રહાર સહન કરનાર હજી મૂર્છિત હતો. બીજા દિવસે સ્વતંત્રતા નો સુરજ ઉગતા સાથે મૂર્છિત યુવક ના શરીરમાં નવા રક્તનો સંચાર થયો. તેણે આંખો ખોલી ચારે બાજુ જોયું અને બોલવાનો પ્રયત્ન કર્યો.

    જેલના દવાખાના માં ઉભેલા સફેદ કપડાં વાળા વ્યક્તિ પર નજર પડી તેને પૂછ્યું  "હું ક્યાં છું ? તમે કોણ છો? અંગ્રેજ ક્યાં ગયો ?" ત્યાં ઉભેલા દાક્તરે તેને તપાસી ને પોતાના હોઠ પર આંગળી મૂકી ચુપ રહેવા ઈશારો કર્યો પછી બોલ્યા "આપ બિલકુલ ચિંતા ન કરો આપ દવાખાને છો અને હું દાકતર છું. તમે સ્વસ્થ થઈ જાઓ એટલે બધી વાત વિગતે કરીશ. તમે હવે આઝાદ ભારતમાં છો." -દાક્તરે આઝાદ ભારતમાં છો કહ્યું ત્યાં તો એ યુવાન પોતાના હાથ પગ અને ચહેરા પર હાથ ફેરવી ને તરત ઉભો થઇ ને આશ્ચર્ય અને તીવ્ર ખુશીથી બોલવા લાગ્યો " ડોક્ટર હું ઠીક છું... શું ભારત હવે સ્વતંત્ર છે ? અંગ્રેજ દેશ છોડીને જતાં રહ્યા ? હું સપનું તો નથી જોતો ને ? કેટલા સમય થી હું અહિયાં છું ? કોણે આપણને આઝાદી અપાવી ? ડોક્ટર મને બધા જવાબ આપો, મારી માતૃભુમી એ અત્યાચારી અંગ્રેજો ના આતંક થી મુક્ત થઇ... વાહ..." ઊંડો શ્વાસ લઇ ઉચ્છવાસ સાથે આગળ બોલવાનું ચાલુ રાખ્યું.

    ડોકટરે તેને વધુ બોલતા અટકાવી એટલું કહ્યું "આપણે આઝાદ છીએ... આપ ચાલી શકો તો બહાર ચક્કર મારી જુઓ, આજે પૂરો દેશ ખુશીથી નાચી રહ્યો છે.કાલે રાત્રે ગુલામી ની કાળરાત્રી નો અંત થયો. તમે નસીબદાર છો કે આજે જ આઝાદી મળી અને આજે જ તમે ઠીક થયાં. એક વાત ન સમજી શક્યો કે એક અંગ્રેજ સૈનિક આપને છોડીને જવા તૈયાર ન હતો. કાલે સાંજે તેને તાર આવ્યો ત્યારે તે ખુબજ દુઃખી થઈને અહીંયા થી ગયો. શુ એ તમારો મિત્ર હતો? તમારા માટે તેણે ઘણી વખત પૂછ્યું પણ હતું."

    થોડા કલાકો પહેલાં જીવન મરણ વચ્ચે ઝૂલતો માણસ અચાનક પોતાના પગ પર દોડવા લાગ્યો તે ખરેખર ચમત્કાર જ હતો. તે દોડીને હોસ્પિટલ બહાર નીકળ્યો. દરવાજા પાસે તેને અંગ્રેજ સૈનિક મળ્યો. ક્રાંતિકારીને પોતાના પગ પર ચાલતો જોઈ અંગ્રેજ સૈનિક ગભરાઈ ગયો. યુવાન ક્રાંતિકારી એ ભાન માં આવ્યા બાદ ડૉક્ટર પાસે સાંભળેલી વાતનાં કારણે અંગ્રેજ ને પોતાનો મિત્ર સમજી ગળે લગાવી લીધો. અંગ્રેજ કશું સમજી ન શક્યો પરંતું તેને ગેરવર્તુણક બાબતે અફસોસ જરૂર થયો. એ શરમ થી આંખમાં આંખ ન મેળવી શક્યો અંતે અંગ્રેજી ની આંખો ભરાઈ આવી ગળગળા અવાજે બોલવાનો પ્રયત્ન કરતો અંગ્રેજ બોલે તે પહેલાં જ ક્રાંતિકારી એ કહ્યું "મિત્ર મને ખબર છે કે તું ભારત છોડતાં પહેલાં મારી માફી માંગવા આવ્યો છો, તું પણ શું કરત તારી ફરજ હતી તારા શાસકો ને ખુશ કરવાની, મારી ફરજ હતી મારી ભોમકા ને સ્વતંત્ર કરવાની તું તારું કામ કરતો હતો અને હું મારું..."

    અંગ્રેજે કશું પણ બોલ્યા વગર પોતાના હાથમાં રહેલું અખબાર આપીને કહ્યું "હું તારી દેશ ભક્તિ સામે ખુદને ખુબ નાનો માનું છું... મને અફસોસ એ વાતનો છે કે મેં તને આટલી તકલીફો આપી છતાં તને મારા પર ગુસ્સો હોવાને બદલે સ્નેહ છે? તમે ભારતીય કઈ ધાતું માંથી બન્યા છો એ નથી સમજાતું? મને માફ કરી દે જે..." બોલતા સાથે અંગ્રેજ ત્યાંથી જતો રહ્યો.

    હાથમાં આવેલું અખબાર છાતીએ લગાવી વાંચવાનું શરુ કર્યું “ગુલામી ની કાલ રાત્રી નો અંત. વાહ બાપુ તમે કરી બતાવ્યું દેશ હવે ગુલામ નથી. ઓ અંગ્રેજ સાંભળ્યું તે?” મુખ્ય ખબરો વાંચ્ય બાદ તેનું ધ્યાન ‘પાકિસ્તાન’ શબ્દ પર પડ્યું.આનંદ શોક માં પરિવર્તિત થયો. ખુશીઓના આંસુઓ અચાનક રુદન બની ગયા નિસાસો નાખી ને બોલ્યો “ બાપુ આ તમે શું કર્યું? શું અમે દેશના ભાગલા જોવા માટે કાલાપાની ની સજા ભોગવી? મારી માતા ના ટુકડા કરવા વાળા તમે કોણ ? મેં અખંડ ભારતની આઝાદી ની કામના કરી હતી. માં ભારતી ના ટુકડા થયા અને હું આનંદ મનાવું ? આ દિવસ જોતા પહેલા હું મારી કેમ ન ગયો ? મને ફાસી કેમ ન મળી ? લટકાવી દયો મને ફાંસીના માચડે. માતા હું તારો અપરાધી છું.”

    અંગ્રેજ સૈનિક ક્રાંતિકારી યુવાન નું રુદન સાંભળી તેની નજીક આવ્યો તેના ખભા પર હાથ મુકીને કહ્યું “હું તને મારો દુશ્મન સમજતો હતો ત્યારે મેં તને ઘણો ત્રાસ આપ્યો તારા પર ઘણા અત્યાચાર કર્યા છતાં તારી આંખોમાં આંસુ એક પણ ટીપું જોવા ન મળ્યું, આજે જ્યારે તારો દેશ આઝાદ થયો ત્યારે તું આ રીતે રડે છો ? ખરેખર ભારતીયો ને સમજવા ખુબ અઘરા છે.”

    આંસુ ટપકતી આંખોએ ક્રાંતિકારી યુવાન બોલ્યો “તું મને ફાસી આપ હું જીવવા નથી માંગતો મારી માતા ના ટુકડે ટુકડા થયા અને હું કાઈ પણ ન કરી શક્યો. મને ફાસી આપ મને ફાસી આપ…” બોલતા બોલતા તે પડી ગયો. અંગ્રેજ સૈનિકે તેને બે હાથે થી હલબલાવ્યો પરંતુ તેણે પોતાના અંતિમ શ્વાસ પણ ગણી લીધા હતાં. ફરી ડોક્ટર પાસે લઈ જવાનો કોઈ ફાયદો ન રહ્યો. અત્યાચાર કરનાર અંગ્રેજ સૈનિકે તેના માટે આંસુઓ વહાવ્યા.

    જે ક્રાંતિકારી ભારતનાં ટુકડા થયા તેના દુઃખથી માત્ર એક ક્ષણમાં પ્રાણ ત્યાગી ગયો તેનું નામ ઇતિહાસમાં ક્યાય લખાયું નથી તેના પર અત્યાચાર કરનાર અંગ્રેજ ને પણ તેનું નામ પણ ખબર ન હતું તેને ખબર હતી તો માત્ર કેદી નંબર ૧૯૪૭. ૧૯૪૭ તેની ઓળખ અને એજ તેનો અંત…

નોંધ :

આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. પરંતુ આ વાર્તા માં દર્શાવેલી વેદના

અને દેશભક્તિ નો અતુલ્ય ભાવ કાલ્પનિક નથી. કદાચ આ ઘટના નું કોઈ સાક્ષ્ય કે પ્રમાણ નથી પરંતુ સ્વતંત્રતા માટે લડતા એક ક્રાંતિકારી ને જેટલી ખુશી અને દુઃખનો અહેસાસ થયો આ વાર્તા લખતા સમયે મારી માનસિક સ્થિતિ પણ એ જ રહી જે આ વાર્તા નાં નાયક ની હતી.

    આ વાર્તાનો હેતુ માત્ર અને માત્ર આઝાદી પહેલા ક્રન્તીકારીને થયેલી માનસિક અને શારીરિક યાતના પ્રત્યે લોકોની સમજ ઉદ્ભવે. આજે જે મૌલિક અધિકારો ની વાત આપણે કરીએ છીએ તે અધિકાર અપાવનારા અનેકાનેક ક્રાંતિકારીઓ માતૃભુમી માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી છે. તે દર્શાવવાનો જ છે.

ગુજરાતી ટાઈપ કરવામાં કદાચ ભાષાની અથવા શબ્દ ચયન કરવાની ભૂલો થઇ હોય તો તેને અવગણી વાર્તા ના ભાવ પર ધ્યાન આપવું.

આ કૃતિ મારી મૌલિક કૃતિ છે. જે કોપીરાઈટ ના નિયમો  ને આધીન હોય મારા નામ વિના છાપનાર પર કોપીરાઈટ નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

માતૃભાષા ના  નવા લેખકો અને માતૃભારતી ને આ વાર્તા સમર્પિત કરું છું.

સાગર ચૌચેટા

-સાચો

દિનાંક: ૧૫-૧૦-૨૦૧૮.

|| ભારતમાતા ની જય ||